Home> India
Advertisement
Prev
Next

DCGI એ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી, PM મોદીએ કહ્યું-ગર્વની વાત

કોરોના રસી અંગે આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. 

DCGI એ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી, PM મોદીએ કહ્યું-ગર્વની વાત

નવી દિલ્હી: કોરોના રસી (Corona Vaccine) અંગે આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિશીલ્ડ(Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઈમરજન્સી ઉપયોગની અધિકૃત જાહેરાત કરી. ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી ઝાઈકોવ-ડીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. DCGIના જણાવ્યાં મુજબ રસીના અત્યાર સુધીના તમામ ટ્રાયલ સુરક્ષિત રહ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આજનો દિવસ ભારતીયો માટે ગર્વનો દિવસ ગણાવ્યો. 

2 રસીને મળી ઉમરજન્સી ઉપયોગની મંજૂરી
કોરોના રસીને લઈને બનાવવામાં આવેલી એક્સપ્રટ કમિટીએ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ કોવિશીલ્ડ અને બીજા દિવસે કોવેક્સીનને મંજૂરી આપી હતી. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI) એ પણ મંજૂરી આપી દેતા ભારતમાં રસીનો ઉપયોગ શરૂ થઈ જશે. 

કોવેક્સીન છે સંપૂર્ણ દેશી રસી
અત્રે જણાવવાનું કે કોવેક્સીન સંપૂર્ણ રીતે સ્વદેશી રસી છે અને તેને ભારત બાયોટેકે બનાવેલી છે. આ રસી હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ છે. જ્યારે કોવિશીલ્ડને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેનું નિર્માણ કાર્ય સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે. 

રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત
DCGIએ કહ્યું કે બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં થઈ શકશે. DCGIના જણાવ્યાં મુજબ આ બંને રસીના 2-2 ડોઝ ઈન્જેક્શન સ્વરૂપે આપવામાં આવશે. આ બંને રસીને 2થી 8 ડિગ્રીના તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. અત્રે જણાવવાનું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) જ્યારે કોઈ દવા, ડ્રગ, રસીને અંતિમ મંજૂરી આપે છે ત્યારે તે દવાઓ, રસીનો સાર્વજનિક રીતે ઉપયોગ થઈ શકે છે. આવી મંજૂરી આપતા પહેલા DCGI રસી અંગે કરાયેલા પરીક્ષણોના આંકડાનો કડકાઈથી અભ્યાસ કરે છે. જ્યારે DCGI આ રિપોર્ટથી સંતુષ્ટ થાય ત્યારે તે રસીના સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપે છે. 

ભારતીયો માટે ગર્વનો દિવસ-પીએમ મોદી
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને ભારતીયો માટે આજનો દિવસ ગર્વનો દિવસ ગણાવ્યો. 

અદાર પૂનાવાલાએ કહ્યું-નવું વર્ષ મુબારક
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેના સીઈઓ અદાર પૂનાવાલાએ પણ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે બધાને નવું વર્ષ મુબારક. કોવિશીલ્ડ, ભારતની પહેલી COVID-19 રસીને મંજૂરી મળી ગઈ છે. સુરક્ષિત અને પ્રભાવી આ રસી આવનારા સમયમાં રોલ આઉટ થવા માટે તૈયાર છે. 

WHO એ પણ નિર્ણય આવકાર્યો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ આ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાના DCGIના આ નિર્ણયને આવકાર્યો છે. 

દેશમાં શનિવારે કરાઈ ડ્રાય રન
કોવિડ કાળમાં રસીકરણની પ્રક્રિયાને લઈને શનિવારે દેશભરમાં ડ્રાય રન એટલે કે એક પ્રકારે મોક ડ્રિલ કરવામાં આવી હતી. દેશના 125 જિલ્લાઓમાં બનેલા 286 કેન્દ્રોમાં રસીકરણની પ્રક્રિયાનું ડ્રાય રન કરવામાં આવ્યું. દિલ્હીમાં ડ્રાય રનની તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન પોતે હાજર રહ્યા હતા. રસી સૌથી પહેલા હેલ્થવર્કર્સને આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ દેશમાં આગામી અઠવાડિયેથી કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની શરૂઆત થઈ શકે છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More